Wednesday, January 20, 2016


સોરઠનાં એક ગામમાંથી લીલીબસમાં બેસીને વગર વિઝાએ અમદાવાદમાં ધુસી આવેલા જેન્તી જોરાવરે અમદાવાદ પહેલી વાર જોયું અને મોંમાં આંગળા નાખી ગયો! એકાદ બે મહિનામાં તેણે થોડાં ઓબ્ઝર્વેશન્સ કર્યાં અને પોતાની જેમ જ વગર વિઝાએ સૌરાષ્ટ્રમાંથી ગેરકાયદેસર રીતે વંડી કુદીને અમદાવાદ આવેલા તેના મિત્રને પોતાના ઓબ્ઝર્વેશન્સ જણાવ્યાં....
 
૧. બેગાની બબાલમેં અમદાવાદી દિવાના!
રોડ પર બબાલ જોઈ નથી અને અમદાવાદીને હાથ સાફ કરી લેવાનો સળવળાટ ના થયો હોય તેવું બને નહીં! આમ તો અમદાવાદી શાણો એટલે જાતે બબાલ ના કરે પણ જો કોઈની બબાલ હોય તો હાથ સાફ કરી લેવાનું ચૂકે નહીં. જ્યારે કોઈ અમદાવાદી રસ્તામાં ચાલતી બબાલમાં જોડાય ત્યારે ત્યાં તેની જેવાં જ ૧૦-૧૨ અમદાવાદી ઓલરેડી પોતાના હાથ સાફ કરી રહ્યાં હોય. પણ બે-પાંચ મિનિટ પહેલાં એ મારામારી તો ખાલી બે લોકોની વચ્ચે જ ચાલુ થઈ હોય અને પછી તો કારવાં ચલતા ગયાં, લોગ જુડતે રહે! એ બબાલનાં કારવાંમાં બધાં જ એવું વિચારીને જોડાયા હોય કે, ‘બકા, આટલાં બધાં મારે છે તો બે ધોલ આપણેય મારી લઈએ. કોને ખબર પડશે?! બે ધોલ તો બનતાં હૈને! આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે! 

૨. શાકભાજી તો જમાલપુર-કાળુપુરમાં જ મળે!
બે-ત્રણ દાયકા અગાઉ અમદાવાદીઓ કોટ વિસ્તાર અને પોળમાંથી નીકળીને પશ્ચિમનાં જંગલોમાં રહેવા આવ્યાં અને આજે એ વિસ્તારને તેમણે પોશ બનાવી દીધો. કોટવિસ્તારમાંથી નીકળીને લોકો વસ્ત્રાપુર, બોડકદેવમાં કરોડોનાં બંગલા કે અપાર્ટમેન્ટમાં ભલે રહેતાં હોય, બાજુમાં જ ઝગમગાટ કરતી હાઈપરમાર્કેટ્સ ભલે હોય, ભલે બાજુની ‘વેજિટેબલ્સ શોપ’ ફ્રેશ શાકભાજીની હોમ ડિલિવરી કરતો હોય પણ અમદાવાદી કાકા અને બકાને શાકભાજીનું શોપિંગ તો જમાલપુર અને કાળુપુરની શાકમાર્કેટમાંથી જ કરવું પડે! આ વણલખ્યો નિયમ છે! આ દરેક સાચા અમદાવાદીના લોહીમાં છે. કારણ પૂછો તો કહે કે, ‘ભૈ જમાલપુરમાં શાકભાજી ફ્રેશ મળે અને સસ્તાં પણ મળેને!’ અને લોકલ હાઈપરમાર્કેટમાં ભાવ થોડો કરાવાય? જમાલપુરમાં સસ્તાં શાકભાજીને ભાવ કરાવીને વધારે સસ્તામાં ખરીદી શકાય! આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૩. અડધી ચાની અડધી ચાની અડધી ચા!

ટકિલાશોટ્સની શોધ કદાચ અમદાવાદમાં થઈ હોય તો નવાઈ નહીં! કારણ કે ટકિલાશોટનાં ગ્લાસની સાઈઝમાં જેટલું દ્રવ્ય સમાય એટલી જ ચા પીવાની અમદાવાદીઓની ટેવ છે! ભલે ઘરે મમ્મીએ કે વાઈફે તુલસી, ફુદિનાવાળી આખા દૂધની ચા પીવડાવી હોય પણ અમદાવાદીને ઘરની બહાર નીકળતાં જ કિટલીએ ઊભાં રહીને એક ‘કટિંગ ચા’ તો પીવી જ પડે! કટિંગનાં ફાયદાં કેટલાં બધાં! અમદાવાદી લોજિક કહે છે કે એક તો આખી ચાના રૂપિયા વધારે એટલે આખી પીવો તો એક જ વખત પી શકાય તેનાં કરતાં અડધી પીવો તો બે વખત પીવાયને ભૈ! અને અમદાવાદી પહેલેથી જ ફુલ્લંફુલ હેલ્થ કોન્શિયસ માણસો એટલે એમને પહેલેથી જ ખબર હતી કે ચામાં સુગર બૌ હોય અને વધુ ચા પીવાય તો તેમાં રહેલી સુગરથી ‘સુગર’નો પ્રોબ્લેમ થઈ જાય! બે દોસ્ત સાથે હોય તો અડધી ચાની પણ અડધી થઈ જાય. થોડાં સમયમાં અડધી ચાની અડધી ચાની અડધી ચાની પણ અડધી ચા ના થઈ જાય તો નવાઈ નહીં! આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૪. એક ભાઈને એવી ટેવ, ખાખરા પછી મમરાંની સાથે ખાય સેવ!
અમદાવાદી અને ખાખરાને અલગ પાડવાં એ ‘મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ!’ અમદાવાદી લોજિક એવું કે ખાખરાં લાઈટવેઈટ, ઉપાડવામાં પણ પ્રોબ્લેમ નહીં અને ખાઈ જાઓ પછી પેટમાં પણ કોઈ પ્રોબ્લેમ નહીં! ખાખરાંની ગેરહાજરીમાં અમદાવાદીનું ફેવરિટ સ્નેક સેવ-મમરાં કારણ કે એ પણ લાઈટવેટ! આજે અનેક સ્નેક્સ કંપનીઝ સેવ-મમરાં પેકેટ્સમાં ભરીને આખાં દેશના લોકોને સેવ-મમરાંનું ‘લાઈટવેટ સ્નેક્સ’ ખવડાવી રહી છે. દેશને આ મમરાંની સાથે સેવના કોમ્બોની ભેંટ પણ અમદાવાદે જ આપી છે. ખાખરા, ફાફડી, સેવ-મમરાં એ ‘ઓછામાં વધુ કરવા’ની અમદાવાદી ફિતરતની સાબિતી છે. આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૫. શેર ને સટ્ટો, રાખે અમદાવાદીને હટ્ટોકટ્ટો!
શેરનું નામ સાંભળીને અસલી અમદાવાદીને શેર લોહી ચઢી જાય અને તે શમશેર લઈને સટ્ટાબજારમાં કુદી પડે! અમદાવાદી વિરબંકો મગજની શાર્પ તલવાર લઈને શેરબજારનાં મેદાનમાં ઉતરે પછી તે દુનિયાભરનાં સટોડિયાઓને ધૂળ ચાટતાં કરીને બાજીરાવની જેમ વિજયપતાકાઓ લહેરાવતો નીકળે! બાજીરાવની વિજયપતાકાઓ ઝંડાના રૂપમાં હતી પણ શેર-ફ્રેન્ડલી અમદાવાદીની વિજયપતાકાઓ (કડકડતાં રૂપિયા) તેનાં ખિસ્સામાં હોય! અમદાવાદી મહિલાઓને જેમ વર્ષે એક વાર ઘંઉ, ચોખા ને ખાંડનો સ્ટોક કર્યા વિના ના ચાલે તેમ અમદાવાદી પુરુષને ‘સ્ટોક’નો સ્ટોક કર્યાં વિના ના ચાલે! અમદાવાદી ભલે વરસાદમાં પડતાં બે ટીપાંની વચ્ચેથી કોરો નીકળી જાય એવો સૂકલકડી હોય પણ સ્ટોકમાર્કેટને લીધે તે બેન્કબેલેન્સમાં હંમેશાં દુનિયાના સૌથી હટ્ટાકટ્ટા માણસોમાંનો એક જ હોય!  આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!
૬. ટ્રાફિક ‘નોન’સેન્સમાં સુપરહિરો!
કોઈ બહારનો વ્યક્તિ અમદાવાદમાં પહેલી વખત અમદાવાદનાં રોડ પર વાહન લઈને નીકળે તો તેને એવું લાગે કે કોઈ બીજા ગ્રહ પર આવી ગયો છે! કારણ કે અમદાવાદીઓની ટ્રાફિક સેન્સ (તમે નોનસેન્સ પણ કહી શકો) આખી દુનિયાથી અનોખી છે. દુનિયાભરમાં સાઈડ દેખાડવા માટે ઈન્ડિકેટર અને હાથ દેખાડે પણ અમદાવાદનો રીક્ષાવાળો પગનાં અંગૂઠાંથી સાઈડ આપે અને તેની પાછળ વાહન ચલાવતો બીજો અમદાવાદી તેનો આ છૂપો સંકેત સમજી પણ જાય! ઓટોમોબાઈલ્સ ભલેને હાઈટેક થયાં હોય અને મોટરસાઈકલ અને સ્કુટરમાં ઈન્ડિકેટરની સાથે ભલે ‘બીઈઈઈપ બીઈઈઈપ’પણ થતું હોય પણ અમદાવાદી એવા બધાંમાં ના પડે. અમદાવાદી સ્કુટરવીર તેને ડાબે વળવું હોય તો માત્ર ડાબી બાજુ જોયા રાખે અને પાછળનાં વાહનવાળાને સમજી જવાનું કે આગળ જતાં ભૈ ડાબે જ વળશે અને તામ્રપત્ર પર લખી રાખો કે આ ભૈ ડાબે જ વળે! રોંગ સાઈડ જવું તે અમદાવાદી વાહનચાલકોનો અબાધિત અધિકાર છે. અમદાવાદીઓનું લોજિક એ છે કે વહેણની દિશામાં તો સૌ તરી જાય, સામા વહેણમાં તરે એ જ સાચો બકો! આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૭. કંઈ પણ બદલો પણ સદરો ના બદલો!
અમદાવાદીને સદરાની સાથે ભવોભવનાં રિલેશન્સ છે! એક મજાક તો એવી છે કે ‘કુત્તે પે સસ્સા આયા’ અને ગયા પછી અહેમદશાહ બાદશાહે જ્યારે આજુબાજુમાં લોકલ લોકો પર નજર દોડાવી તો તેમને અજીબ પ્રકારની ફેશન સેન્સ જોવા મળી. બાદશાહે પૂછ્યું કે, ‘ભૈ, વ્હોટ ઈઝ ધિસ?’ તો જવાબમાં લોકોએ કહ્યું કે,‘ધિસ ઈઝ સદરા! ધિસ પ્લેસ ઈઝ વેરી હોટ, સો વી ડિઝાઈન્ડ ધિસ કૂલ ફેશનેબલ સદરા! વોન્ટ ટુ ટ્રાય મેન?!’ અમદાવાદની આ કમ્ફર્ટેબલ અને પારદર્શક ફેશન સેન્સ સભ્યસાચીથી માંડીને વર્સાચી સુધીનાં કોઈ ફેશન ડિઝાઈનરને સમજાઈ નથી અને સમજાશે પણ નહીં! પણ સદરા વિનાનો અમદાવાદી કાકાની કલ્પના પણ શક્ય નથી. ઢાલગરવાડમાંથી ખરીદેલો પારદર્શક સદરો ભલે અમદાવાદીની ફાંદનું પ્રદર્શન કરે પણ તેનાં પ્લસ પોઈન્ટ્સ એ કે સદરો સસ્તો હોય, સુપર કમ્ફર્ટેબલ હોય, ગરમીમાં તમને કૂલ રાખે અને ફાટી જાય પછી તેની પાસેથી ધૂળ ઝાપટવાનું મહત્ત્વનું કામ પણ લઈ શકાય!  આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૮. અમદાવાદમાં મફતમાં શું મળે? સલાહ-સૂચન અને ફાંકાફોજદારી!
કોર્પોરેટ વર્લ્ડમાં કહેવત છે કે ‘નો લંચ ઈઝ ફ્રી’ એટલે કે કંઈ પણ મફતમાં ના મળે. દરેક વસ્તુની કિંમત તો ચૂકવવી જ પડતી હોય છે. અમદાવાદ તો પહેલેથી જ કોર્પોરેટ ફિલોસોફીમાં માને છે અને કદી કંઈ પણ મફતમાં ના આપે. આવામાં તમે જો વિચારવા જાઓ કે અમદાવાદમાં હવા સિવાય મફતમાં શું મળે? તો જવાબ મળશે કે મફતની સલાહ અને ઢગલાબંધ ફાંકાફોજદારી! તમે માગી હોય કે ના માગી હોય સાચો અમદાવાદી તમને મફતમાં સલાહ આપીને જ છોડે. તમે નાસામાં વિજ્ઞાની છો અને રોકેટ બનાવી રહ્યા છો અને તેમાં કોઈક ટેકનિકલ ગૂંચ પડી ગઈ તો રસ્તેથી નીકળતો અમદાવાદી બકો સ્કુટર ઊભું રાખીને તમને સલાહ આપશે જ આપશે! ‘જો, બકા આને રોકેટ કેવાય.. એમાં પેટ્રોલ-બેટ્રોલ નાખવું પડે! રીઝર્વમાં આવી ગયું હશે! સીધા આગળ જઈને પહેલાં ચાર રસ્તા છોડીને આગળનાં ચાર રસ્તે પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ના પુરાવતો બકા.. ભેળસેળવાળું હોય છે. ત્યાંથી સીધાં જઈને ડાબી બાજુ વળી જજે. ત્યાં કંપની પંપ છે ત્યાં પુરાવજે. આપણે ત્યાં જ પુરાવીએ છીએ! સમજ્યો બકા? કે સાથે આવું?’ પછી તમે તેની સલાહ માની હોય કે ના માની હોય તે પોળમાં જઈને ફાંકાફોજદારી કર્યાં વિના રહેશે નહીં કે, ‘ભૈ, આજે તો આપણે એક ખોટકાઈ ગયેલું રોકેટ રીપેર કરી આપ્યું. નાસા-ફાસામાં કેવાં કેવાં લોકોને લઈ લે છે?!’ આ છે અમદાવાદી મિજાજ જે હંમેશાં અડિખમ રહેશે!

૯. ગર્દાબાદનું દર્દ અને સુંદર ચહેરાઓ પર દુપટ્ટા!
જહાંગીરને લાગ્યું હશે કે અમદાવાદ જઈને થોડો હવાફેર કરી આવું એટલે તે દિલ્હીની સલ્તનતમાં તેનાં પપ્પા અકબરની પરવાનગી લઈને ઈ.સ.૧૬૧૭માં અમદાવાદમાં રહેવા આવ્યો. આવ્યો તો આવ્યો પણ હવાફેરમાં તેને અમદાવાદની હવામાં માત્ર ધૂળ ઉડતી દેખાઈ! તેણે કહ્યું કે, ‘ભૈ આ અમદાવાદ નથી આ તો ગર્દાબાદ છે ગર્દાબાદ! (ગર્દ એટલે ધૂળ)’ આજે પણ અમદાવાદની ધૂળ અનેક લોકોને ધૂળ ચટાવી દે છે. અમદાવાદી છોકરીઓ પોતાના બ્યુટીફુલ ફેસને દુપટ્ટાથી ઢાંકીને સ્કુટર ચલાવતી હોય તો તેનો તમામ દોષ અમદાવાદની ધૂળને ફાળે જાય છે. આ છોકરીઓ પોતાનાં નાજૂક ફેફસાં અને ફેસનાં કોમ્પ્લેક્શનને આ ધૂળનાં ત્રાસથી બચાવવા માટે દુપટ્ટા પહેરે છે. તેમને જોઈને અમદાવાદી પુરુષોએ પણ હવે તો પોતાના ફેસ પર બુકાનીઓ બાંધવાનું શરુ કરી દીધું છે. આ છે અમદાવાદી ધૂળ જે હંમેશાં ઉડતી જ રહેશે!

૧૦. હપ્તેથી મળે તો હાથી પણ ખરીદે!
કહેવત છે કે હપ્તેથી મળે તો હાથી પણ ખરીદાય! ભલે જરૂર હોય કે ના હોય! આ કહેવત અમદાવાદમાં જ જન્મી હશે! કારણ કે અમદાવાદીઓ કોઈકનાં પૈસે ઈનવેસ્ટમેન્ટ કરવામાં એક્કા છે. એક લોન લઈને તેમાંથી બીજી લોન ભરે અને વ્યાજનાં તફાવતમાંથી જે મળે તેનું રોકાણ કરે! જંગલમાં જમીન કોઈ ના ખરીદે પણ અમદાવાદી સ્માર્ટનેસ દેખાડીને બીજા લોકોને જંગલમાં જમીન દેખાડે, તેમને ભવિષ્યનાં સુંદર સપનાં દેખાડીને, સમજાવીને એ જમીન તેમની પાસે ખરીદાવડાવે, તેમાંથી કમિશન કમાય અને એ કમિશનમાંથી અમદાવાદી ખુદ ત્યાં જમીન ખરીદે! અંતે આ જંગલની જમીનમાંથી પોશ વિસ્તારો બનાવે અને મહેનત અને સ્માર્ટનેસનાં કમિશનની કમાણીનાં નાનકડાં રોકાણમાંથી કરોડો કમાય! આને કહેવાય અમદાવાદી સ્માર્ટનેસ જે હંમેશાં અડિખમ રહેશે!